લિસ્ટેરિઓસિસ

​લિસ્ટેરિયા એ એક બીમારી છે જે સામાન્ય રીતે લિસ્ટેરિયા મોનોસાયટોજેન્સ તરીકે ઓળખાતા બેક્ટેરિયાથી દૂષિત ખોરાક ખાવાથી થાય છે. લિસ્ટેરિયા એ સગર્ભા સ્ત્રીઓ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે ગંભીર બીમારી છે. ચેપની સારવાર એન્ટિબાયોટિક્સથી કરવામાં આવે છે.

Last updated: 18 December 2025
Download

લિસ્ટેરિઓસિસ શું છે?

લિસ્ટેરિઓસિસ એ એક ભાગ્યે જ થતી બીમારી છે જે Listeria monocytogenes નામના બેક્ટેરિયાથી દૂષિત ખોરાક ખાવાથી થાય છે. લિસ્ટેરિયા બેક્ટેરિયા પર્યાવરણ અને કેટલાક કાચા ખોરાકમાં સામાન્ય છે. લિસ્ટેરિયા બેક્ટેરિયા ધરાવતો ખોરાક ખાવાથી મોટાભાગના લોકોને આ બીમારી થતી નથી. NSWમાં દર વર્ષે લિસ્ટેરિયાના 20થી 30 કેસ નોંધાય છે. લિસ્ટેરિયા ભાગ્યે જ થાય છે પણ તેનો મૃત્યુ દર ઊંચો છે.

તેના લક્ષણો શું છે?

લક્ષણો દેખાવા (ચેપ અને લક્ષણો વચ્ચે)નો સમયગાળો 3થી 70 દિવસ સુધી હોઈ શકે છે પરંતુ સરેરાશ લગભગ ત્રણ અઠવાડિયા હોય છે. ચેપ સેપ્ટિસેમિયા (લોહીનું ઝેરી બનવું) અને મેનિન્જાઇટિસ (મગજનો સોજા)નું કારણ બની શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન ચેપથી ગર્ભપાત કે મૃત બાળકનો જન્મ થઈ શકે છે અને નવજાત શિશુમાં ચેપ પણ લાગી શકે છે.

લક્ષણોમાં સામેલ છે: તાવ, સ્નાયુઓમાં દુખાવો અને ક્યારેક પાચનની ગરબડના લક્ષણો જેમ કે ઉબકા અને ઝાડા. વધુ ગંભીર સ્વરૂપના લક્ષણોમાં પડી જવું અને આઘાત લાગવાનો પણ સમાવેશ થાય છે. જો ચેપ મુખ્ય ચેતાતંત્રમાં ફેલાય, તો માથાનો દુખાવો, ગરદન જકડાઈ જવી, મૂંઝવણ અનુભવવી, સંતુલન ગુમાવવું, આંચકી આવવી અને કોમામાં જતા રહેવું જેવા લક્ષણો પણ દેખાઈ શકે છે. આમાંથી લગભગ ત્રીજા ભાગના દર્દીઓ મૃત્યુ પામી શકે છે.

તે કેવી રીતે ફેલાય છે?

લિસ્ટેરિયા સમગ્ર પ્રકૃતિમાં વ્યાપક છે, જે સામાન્ય રીતે ઘરેલું અને જંગલી પ્રાણીઓની ઘણી પ્રજાતિઓમાં હોય છે. કાચું માંસ, પાશ્ચરાઇઝ્ડ કર્યા વિનાનું દૂધ, કાચા ફળો અને શાકભાજી બેક્ટેરિયાથી દૂષિત થઈ શકે છે.

જે લોકો પર આ જોખમ આવી શકે તેમ છે તેમને લિસ્ટેરિયા બેક્ટેરિયાથી દૂષિત ખોરાક ખાવાથી લિસ્ટેરિયાનો ચેપ લાગી શકે છે. જો માતા ગર્ભાવસ્થા દરમિયાન દૂષિત ખોરાક ખાય તો બાળક લિસ્ટેરિયા સાથે જન્મી શકે છે. બીમારીનો ફેલાવો કાચું દૂધ, નરમ ચીઝ, પહેલાથી તૈયાર સલાડ (ઉદાહરણ તરીકે, સલાડ બારનું સલાડ), ધોયા વગરના કાચા શાકભાજી, માંસની વાનગીઓ, ઠંડું કાપેલું ચિકન, ટેટી અને પહેલેથી કાપેલા ફળ અને ફળોના સલાડ સાથે સંકળાયેલો છે.

કોને આ રોગ થવાનું જોખમ છે?

સગર્ભા સ્ત્રીઓ અને તેમના ગર્ભ, નવજાત શિશુઓ, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો (ઉદાહરણ તરીકે: કેન્સરની સારવાર કે સ્ટેરોઇડ્સ લેતા લોકો અને ડાયાબિટીસ, કિડનીના રોગ, લીવરના રોગ અને HIV ચેપ ધરાવતા લોકો).

તેને કેવી રીતે અટકાવી શકાય?

લિસ્ટરિઓસિસ અટકાવવા માટે:

  • (નીચે વર્ણવ્યા મુજબના) વધુ જોખમી ખોરાક ટાળો
  • પ્રાણી સ્ત્રોતોમાંથી આવતા કાચા ખોરાક, જેમ કે ગાય, ઘેટા અને ડુક્કરનું માંસ કે મરઘાંને બરોબર રાંધો
  • કાચા શાકભાજી અને ફળો ખાતા પહેલા સારી રીતે ધુવો
  • કાચા માંસને શાકભાજી, રાંધેલા ખોરાક અને ખાવા માટે તૈયાર ખોરાકથી અલગ રાખો (એટલે કે, કાચા માંસમાંના લોહીને અન્ય ખોરાકના સંપર્કમાં ન આવવા દો)
  • કાચા માંસ અને ખાવા માટે તૈયાર ખોરાક (ઉદાહરણ તરીકે, રાંધેલા ખોરાક અને સલાડ) માટે અલગ અલગ કટીંગ બોર્ડનો ઉપયોગ કરો
  • ખોરાક બનાવતા પહેલા અને પછી તમારા હાથ ધુવો
  • કાચા ખોરાકને કાપ્યા પછી છરીઓ અને કટીંગ બોર્ડ ધુવો
  • પ્રાણીઓને સ્પર્શ્યા પછી તમારા હાથ ધુવો
  • બગડી શકે તેવા ખોરાકને (5 ડિગ્રી સેલ્સિયસથી ઓછા તાપમાનવાળા) રેફ્રિજરેટરમાં રાખવો જોઈએ અને શક્ય તેટલી વહેલી તકે ધોઈને ખાવો જોઈએ.

લિસ્ટેરિયોસિસનું જોખમ વધારે હોય તેવા લોકોએ આ ન ખાવું જોઈએ:

  • ટેટી
  • ફ્રૂટ સલાડ સહિત પહેલાથી કાપેલા ફળ કે પહેલાથી તૈયાર કરેલા ફળ (પહેલેથી પેક કરેલા, બુફેમાંથી કે સલાડ બારમાંથી)
  • કોલ્સલો સહિત પહેલાથી પેક કરેલા ઠંડા સલાડ (પહેલેથી પેક કરેલા, બુફેમાંથી કે સલાડ બારમાંથી)
  • ફ્રોઝન શાકભાજી, જો તેને રાંધવામાં ન આવે તો
  • પહેલેથી રાંધેલું ઠંડું ચિકન (આખું, અમુક હિસ્સો કે ટુકડા)
  • ઠંડા સ્વાદીષ્ટ માંસ (તાજા કાપેલા, પહેલેથી પેક કરેલા કે સેન્ડવીચ બારમાંથી)
  • માંસવાળું સ્પ્રેડ
  • કાચું સીફૂડ
  • ધુમાડો અપાયેલું સીફૂડ (ઉદાહરણ તરીકે, ધુમાડાથી પકવેલી સેલ્મોન માછલી), જ્યાં સુધી રાંધવામાં ન આવે અને ગરમ પીરસવામાં ન આવે
  • ઠંડું સીફૂડ (ઉદાહરણ તરીકે, ખાવા માટે તૈયાર પ્રોન)
  • પેસ્ટ્યુરાઇઝ્ડ ન કરેલું હોય તેવું દૂધ કે દૂધના ઉત્પાદનો
  • બ્રી, કેમ્બર્ટ, રિકોટા કે બ્લુ-વેઇન જેવું નરમ ચીઝ (સિવાય કે ગરમ હોય અને રાંધવામાં આવે)
  • સોફ્ટ સર્વ આઈસ્ક્રીમ
  • ફણગાવેલા બીજ

તેનું નિદાન કેવી રીતે થાય છે?

લિસ્ટેરિયોસિસનું નિદાન લોહી કે ડોક્ટર દ્વારા કરાયેલ અન્ય પરીક્ષણો દ્વારા કરી શકાય છે.

તેની સારવાર કેવી રીતે કરવામાં આવે છે?

સારવારમાં એન્ટિબાયોટિક્સ અને સહાયક ઉપચારનો સમાવેશ થાય છે. જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન ચેપ થાય છે, ત્યારે એન્ટિબાયોટિક્સ ઘણીવાર ગર્ભ કે નવજાત શિશુને લાગતો ચેપ અટકાવી શકે છે. સમયસર સારવાર આપ્યા પછી પણ, કેટલાક દર્દીના મૃત્યુ થાય છે, ખાસ કરીને વૃદ્ધોમાં અને અન્ય ગંભીર તબીબી સમસ્યાઓ ધરાવતા લોકોના.

જાહેર આરોગ્ય ખાતાનો પ્રતિભાવ કેવો હોય છે?

લેબોરેટરીઓએ સ્થાનિક જાહેર આરોગ્ય એકમને લિસ્ટેરિયોસિસના કેસોની જાણ કરવી જ જોઈએ.

જાહેર આરોગ્ય એકમના કર્મચારીઓ ચેપ કેવી રીતે થયો તે જાણવા માટે ડોક્ટર અને દર્દી (કે તેમના પરિવાર)નો ઇન્ટરવ્યુ લેશે.

NSW ફૂડ ઓથોરિટી, NSW હેલ્થ સાથે મળીને લિસ્ટેરિયોસિસની પર્યાવરણને લગતી તપાસ માટે જવાબદાર છે.

જો તમને લિસ્ટેરિયોસિસનું જોખમ હોય અને તમને કોઈ પ્રશ્નો હોય તો તમારે તમારા હેલ્થકેર પ્રોવાઇડર કે સ્થાનિક જાહેર આરોગ્ય એકમનો સંપર્ક કરવો જોઈએ.

પૂરક માહિતી

  • ​વધુ સલાહ માટે, વિનામૂલ્યે અને ગોપનીય ભાષા સહાય માટે 131 450 પર ટ્રાન્સલેટિંગ એન્ડ ઇન્ટરપ્રીટિંગ સર્વિસ (TIS)ને કોલ કરો. તેમને તમારી ભાષા અને તમે જે ભાષામાં વાત કરવા માંગો છો તે જણાવો:
  • તમારા સ્થાનિક જાહેર આરોગ્ય એકમને 1300 066 055 પર
  • વિનામૂલ્યે 24-કલાક આરોગ્ય સલાહ માટે Healthdirectને 1800 022 222 પર

લિસ્ટેરિઓસિસથી બચવાની વધુ માહિતી માટે, જુઓ:

Current as at: Thursday 18 December 2025
Contact page owner: Communicable Diseases