ચિકનગુનિયાફેક્ટશીટ

ચિકનગુનિયાવાયરસથીસંક્રમિત મચ્છર કરડવાથી ચિકનગુનિયા લોકોમાં ફેલાય છે. લક્ષણોમાં તાવ, બળતી ત્વચા અને સાંધામાં દુખાવો સામેલ છે. આ વાયરસ મુખ્યત્વે આફ્રિકા, એશિયા, પશ્ચિમ પેસિફિક અને અમેરિકામાં જોવા મળે છે. આ ચેપથી બચવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રવાસીઓએ મચ્છરોના કરડવાથી બચવું જોઈએ.

Last updated: 18 December 2025

ચિકનગુનિયા શું છે?

ચિકનગુનિયા એક વાયરસનો ચેપ (ચિકનગુનિયા) છે જે વાયરસ બે પ્રકારના મચ્છરો દ્વારા ફેલાય છે:

  • ડેન્ગ્યુ મચ્છર (Aedes aegypti)
  • એશિયન ટાઇગર મચ્છર (Aedes albopictus)

ચિકનગુનિયાના લક્ષણો શું છે?

ચિકનગુનિયાના લક્ષણોમાં આટલું સામેલ છે:

  • તાવ, શરદી, માથાનો દુખાવો અને સ્નાયુઓમાં દુખાવો
  • સાંધામાં સોજો, જકડાઈ જવું અને દુખાવો, ખાસ કરીને સવારે
  • બળતી ત્વચા, સામાન્ય રીતે ધડ કે ઉપાંગોની. આ સામાન્ય રીતે 7-10 દિવસ સુધી રહે છે
  • થાક કે નબળાઈ લાગવી.

સામાન્ય રીતે ચેપગ્રસ્ત મચ્છર કરડ્યાના લગભગ 7-10 દિવસ પછી લક્ષણો દેખાય છે.

ચિકનગુનિયા વાયરસથી સંક્રમિત મોટાભાગના લોકો થોડા અઠવાડિયામાં સ્વસ્થ થઈ જાય છે. કેટલાક લોકોને ઘણા અઠવાડિયા સુધી થાક અને ઘણા મહિનાઓ સુધી સાંધામાં દુખાવો રહી શકે છે.

ચિકનગુનિયા કેવી રીતે ફેલાય છે?

વાયરસથી સંક્રમિત મચ્છર કરડ્યા પછી લોકોને ચિકનગુનિયા વાયરસનો ચેપ લાગે છે. ચિકનગુનિયા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સીધો ફેલાતો નથી.

મચ્છર જ્યારે એવી વ્યક્તિને કરડે છે જેના લોહીમાં ચિકનગુનિયા વાયરસ હોય છે ત્યારે તે ચેપગ્રસ્ત બને છે. એકવાર ચેપ લાગ્યા પછી, મચ્છરની અંદર વાયરસની સંખ્યા બેવડાવા માંડે છે અને એ મચ્છર કરડે ત્યારે અન્ય લોકોને ચેપ લાગી શકે છે.

કોને ચિકનગુનિયા થવાનું જોખમ છે?

ચિકનગુનિયા વાયરસ આફ્રિકા, એશિયા, અમેરિકા અને પશ્ચિમ પેસિફિકમાં જોવા મળે છે. જે લોકો ચિકનગુનિયા થાય છે એ પ્રદેશોમાં મુસાફરી કરે છે, તેમને ચેપવાળા મચ્છર (ડેન્ગ્યુ મચ્છર કે એશિયન ટાઇગર મચ્છર)ના કરડવાથી ચેપ લાગવાનું જોખમ રહેલું છે.

ચિકનગુનિયા નીચેના લોકો માટે વધુ ગંભીર બની શકે છે:

  • 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકો
  • જન્મ સમયે ચેપગ્રસ્ત નવજાત શિશુઓ
  • હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી બીમારીઓ ધરાવતા લોકો.

ચિકનગુનિયા કેવી રીતે અટકાવવામાં આવે છે?

ઓસ્ટ્રેલિયામાં અત્યારે ચિકનગુનિયાની કોઈ રસી માન્ય નથી.

મચ્છરના કરડવાથી બચવા માટે, આ પગલાં લો:

  • ઢીલા, લાંબી બાંયના, હળવા રંગના કપડાં અને પંજા ઢંકાઈ જાય એવા પગરખાં પહેરો. મચ્છરો ચુસ્ત કપડાંની આરપાર કરડી શકે છે.
  • ખુલ્લી ચામડી પર બધે સરખી રીતે પિકારિડિન, DEET કે લીંબુ નીલગિરીનું તેલ હોય તેવી મચ્છર નિવારક દવા લગાવો. કુદરતી કે ઘરે બનાવેલા નિવારકો મર્યાદિત રક્ષણ પૂરું પાડે છે. તમારે કેટલી વાર નિવારક દવા ફરીથી લગાવવી જોઈએ તે જાણવા માટે સૂચનાઓ વાંચો. હંમેશા પહેલા સનસ્ક્રીન ક્રીમ અને પછી નિવારક દવા લગાવો.
  • એ સમય દરમિયાન વધુ કાળજી રાખો જ્યારે મચ્છર વધુ કરડતા હોય છે. મચ્છરની કેટલીક પ્રજાતિઓ આખો દિવસ કરડતી હોય છે.
  • ઘરની આસપાસ ભરાયેલું પાણી દૂર કરો કારણ કે તે મચ્છરોનું સંવર્ધન સ્થાન બની શકે છે.
  • મચ્છરદાનીનો ઉપયોગ કરો અને બારીઓ અને દરવાજાઓ પર મચ્છરજાળી લગાવો.
  • મચ્છરજન્ય રોગોનું જોખમ વધારે હોય તેવા વિસ્તારોમાં મુસાફરી કરતી વખતે વધારે સાવચેતી રાખો.

ઉપર જણાવેલા  સુરક્ષાના સામાન્ય પગલાં ઉપરાંત, વિદેશમાં મુસાફરી કરતી વખતે તમારે આ પણ કરવું જોઈએ:

  • મચ્છરજાળીવાળા કે એર-કન્ડિશન્ડ રૂમમાં રહો અને સૂવો.
  • જો તમે બહાર સૂતા હોવ તો મચ્છરદાનીનો ઉપયોગ કરો. જ્યારે પરમેથ્રિન જેવા પાયરેથ્રોઇડ જંતુનાશક સાથે મચ્છરદાની બનાવવામાં આવી હોય, ત્યારે તે સૌથી અસરકારક હોય છે. મુસાફરી પહેલાં એવી મચ્છરદાની ખરીદી શકાય કે ખરીદી પછી તેની પર એ પ્રકારના જંતુનાશક છાંટી શકાય.
  • મચ્છરજન્ય રોગ જ્યાં વધુ થતા હોય કે અવારનવાર ફાટી નીકળતા હોય તેવા વિસ્તારોમાં જવાનું ટાળો.

મચ્છરોના કરડવાથી બચવા માટેની માહિતી માટે, મચ્છરો આરોગ્ય માટે જોખમ છે ફેક્ટશીટ જુઓ. સ્માર્ટટ્રાવેલર વેબસાઇટમાં ચોક્કસ સ્થળો માટે આરોગ્ય સંબંધિત ચોક્કસ માહિતી પણ છે.

ચિકનગુનિયાનું નિદાન કેવી રીતે થાય છે?

તમારા ડોક્ટર લોહીનો નમૂનો લઈને ચિકનગુનિયા વાયરસ માટે તેનું પરીક્ષણ કરાવી શકે છે. તાજેતરના ચેપની ખાતરી કરવા માટે બીજીવાર લોહીની તપાસની જરૂર પડી શકે છે.

ચિકનગુનિયાની સારવાર કેવી રીતે કરવામાં આવે છે?

ચિકનગુનિયા માટે કોઈ ચોક્કસ સારવાર નથી. તમારા ડોક્ટર તમને બળતરા અને સોજા ઘટાડતી દવાઓથી સારવારની સલાહ આપશે.

જાહેર આરોગ્ય ખાતાનો પ્રતિભાવ કેવો હોય છે?

જ્યારે કોઈમાં ચિકનગુનિયા વાયરસ મળે છે ત્યારે લેબોરેટરીઓ તેમના સ્થાનિક જાહેર આરોગ્ય એકમને જાણ કરે છે.

જાહેર આરોગ્ય એકમો દરેક કેસની તપાસ કરે છે જેથી તે વ્યક્તિ ક્યાં ચેપગ્રસ્ત થઈ હતી તે નક્કી કરી શકાય.

આ માહિતી ઓછા જોખમી ગણાતા વિસ્તારોમાં ચેપ ફેલાઈ રહ્યો છે કે નહીં તે જાણવા માટે મહત્ત્વપૂર્ણ છે. તેનો હેતુ ઓસ્ટ્રેલિયાના એવા વિસ્તારોમાં ચેપ ફેલાતો અટકાવવાનો પણ છે જ્યાં ચિકનગુનિયા ફેલાવી શકે તેવા મચ્છરો હોય.

પૂરક માહિતી

જો તમને ચિકનગુનિયાના લક્ષણો હોય અને તમે ચિંતિત હોવ, તો તરત જ તમારા ડોક્ટર સાથે વાત કરો કે ઇમર્જન્સીમાં ટ્રિપલ ઝીરો (000) પર કોલ કરો.

વધુ સલાહ માટે, વિનામૂલ્યે અને ગોપનીય ભાષા સહાય માટે 131 450 પર ટ્રાન્સલેટિંગ એન્ડ ઇન્ટરપ્રીટિંગ સર્વિસ (TIS)ને કોલ કરો. તેમને તમારી ભાષા અને તમે જે ભાષામાં વાત કરવા માંગો છો તે જણાવો:

  • તમારા સ્થાનિક જાહેર આરોગ્ય એકમને 1300 066 055 પર
  • વિનામૂલ્યે 24-કલાક આરોગ્ય સલાહ માટે healthdirectને 1800 022 222 પર
  • અથવા તમારા સ્થાનિક ફાર્માસિસ્ટ સાથે વાત કરો.

ચિકનગુનિયાથી બચવાની વધુ માહિતી માટે, જુઓ: જુઓ મચ્છરો આરોગ્ય માટે જોખમ છે ફેક્ટશીટ અને વિદેશમાં સલામત અને સ્વસ્થ રહેવું

Current as at: Thursday 18 December 2025
Contact page owner: One Health