ડેંગ્યુની ફેક્ટશીટ

​​ડેંગ્યુ વાયરસથી સંક્રમિત મચ્છરો દ્વારા ડેંગ્યુ લોકોમાં ફેલાય છે. ડેંગ્યુ વાયરસના ચેપ (જેને ડેંગ્યુનો તાવ પણ કહેવાય છે)માં ફ્લૂ જેવા ગંભીર લક્ષણો જોવા મળે છે. વાયરસ અને તેને ફેલાવતા મચ્છરોના પ્રકારો એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના ઉષ્ણકટિબંધીય અને ઉપ-ઉષ્ણકટિબંધીય દેશોમાં જોવા મળે છે. ચેપ અટકાવવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં પ્રવાસીઓએ મચ્છરના કરડવાથી બચવું જોઈએ.

ડેંગ્યુ શું છે?

ડેંગ્યુ એ એક વાયરલ ચેપ છે જે ચાર ડેંગ્યુ વાયરસ (DENV-1, DENV-2, DENV-3 and DENV-4) માંથી એકને કારણે થાય છે. ડેંગ્યુ વાયરસ મચ્છરની બે પ્રજાતિઓ દ્વારા ફેલાય છે: ડેંગ્યુ મચ્છર (Aedes aegypti) અને એશિયન ટાઇગર મચ્છર (Aedes albopictus). ડેંગ્યુ નવજાત બાળકો, અન્ય બાળકો અને પુખ્ત વયના લોકોને અસર કરે છે.

ડેંગ્યુના લક્ષણો શું છે?

ડેંગ્યુનો તાવ ધરાવતી વ્યક્તિમાં ફ્લૂ જેવા ગંભીર લક્ષણો જોવા મળી શકે છે જેમાં નીચેના લક્ષણો સામેલ છે:

  • અચાનક તાવ
  • શરદી
  • આંખો પાછળ દુખાવા સાથે માથાનો તીવ્ર દુખાવો
  • ગ્રંથીઓમાં સોજો
  • સ્નાયુઓ અને સાંધામાં દુખાવો
  • અતિશય થાક
  • પેટમાં દુખાવો, ઉબકા અને ઉલટી
  • ત્રીજા દિવસની આસપાસ શરીરના ઉપરના ભાગમાં ક્યારેક ત્વચા હળવા લાલ રંગની થતી હોય છે.

નવજાત બાળકો, અન્ય બાળકો અને પુખ્ત વયના લોકોમાં લક્ષણો અલગ અલગ હોઈ શકે છે. ચેપી મચ્છર કરડ્યા પછી 3થી 14 દિવસ (સામાન્ય રીતે 4-7 દિવસ)ની વચ્ચે લક્ષણો દેખાઈ શકે છે. તાવ સામાન્ય રીતે લગભગ 6 દિવસ સુધી રહે છે. ગંભીર ડેંગ્યુ તાવ ભાગ્યે જ થતો હોય છે પરંતુ જો નીચેમાંથી કોઈ સમસ્યાઓ હોય તો મૃત્યુ પણ થઈ શકે છે:

  • પ્લાઝ્મા લીક (આસપાસની પેશીઓમાં રક્તના પ્લાઝ્માની અસામાન્ય હેરફેર)
  • પાણી ભરાવું
  • શ્વાસની તકલીફ (શરીરને પૂરતો ઓક્સિજન ન મળવો)
  • ગંભીર રક્તસ્રાવ
  • અંગોની ક્ષતિ (અંગો યોગ્ય રીતે કામ ન કરવા).

પહેલીવાર લક્ષણો દેખાયાના 3-7 દિવસ પછી, તાવમાં ઘટાડા (38°Cથી નીચે તાપમાન) સાથે, ચેતવણીના ચિહ્નો દેખાય છે જેમાં નીચેના લક્ષણો સામેલ છે:

  • પેટમાં તીવ્ર દુખાવો
  • ઝડપી કે ટૂંકુ શ્વસન
  • ઉલટીમાં લોહી
  • સતત ઉલટી
  • પેઢામાંથી લોહી નીકળવું
  • થાક, બેચેની.

જો તમને આ લક્ષણો હોય, તો તાત્કાલિક તમારા ડોક્ટરનો સંપર્ક કરો કે ઇમર્જન્સી વિભાગમાં જાવ.

ડેંગ્યુ કેવી રીતે ફેલાય છે?

વાઈરસથી સંક્રમિત મચ્છરના કરડ્યા પછી લોકોને ડેંગ્યુ થાય છે.

મચ્છર જ્યારે એવી વ્યક્તિને કરડે છે જેના લોહીમાં ડેંગ્યુ વાયરસ હોય, ત્યારે તે ચેપગ્રસ્ત બને છે. વાયરસ મચ્છરની અંદર વધે છે અને મચ્છર કોઇને કરડે ત્યારે તે તેમને ચેપ લગાડે છે. ડેંગ્યુ વાયરસ ધરાવતા મચ્છરે કરડેલી વ્યક્તિના લોહીમાં 3 થી 14 દિવસ સુધી વાયરસ હોઈ શકે છે.

વાઈરસ સીધો એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી. ડેંગ્યુ ક્યારેક લોહી ચડાવવાથી, સ્નાયુઓ કે અંગ પ્રત્યારોપણ દ્વારા, સોયની ઇજાઓ દ્વારા કે ડેંગ્યુ વાયરસથી સંક્રમિત લોહીવાળા ગળફાના સંપર્ક દ્વારા ફેલાય છે.

 

ડેંગ્યુનો ખતરો કોને છે?

ડેંગ્યુથી પ્રભાવિત વિસ્તારોમાં મુસાફરી કરતા લોકોને આ રોગ થવાનું જોખમ છે. ડેંગ્યુ વાયરસ અને તેને ફેલાવતા મચ્છરોના પ્રકારો એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના ઉષ્ણકટિબંધીય અને ઉપ-ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં જોવા મળે છે.

ઓસ્ટ્રેલિયાના મોટાભાગના વિસ્તારોમાં ડેંગ્યુ વાયરસ ફેલાવી શકે તેવા મચ્છરો નથી, સિવાય કે મધ્ય અને ફાર નોર્થ ક્વીન્સલેન્ડ (જ્યાં ડેંગ્યુ મચ્છર હોઈ શકે છે) અને ટોરેસ સ્ટ્રેટ (જ્યાં એશિયન ટાઇગર મચ્છર હોઈ શકે છે). ક્વીન્સલેન્ડના આ વિસ્તારોમાં ડેંગ્યુ તાવનો પ્રકોપ ત્યારે ફાટી નીકળે છે જ્યારે કોઈ વ્યક્તિને વિદેશમાં ચેપ લાગે છે, પછી તેને સ્થાનિક એશિયન ટાઇગર મચ્છર કે ડેંગ્યુ મચ્છર કરડે છે અને તે મચ્છર આ વાયરસ બીજામાં ફેલાવે છે.

ડેંગ્યુ તાવ આવેલા લોકો સામાન્ય રીતે તે ચોક્કસ પ્રકારના ડેંગ્યુ વાયરસ સામે લાંબા ગાળાની રોગપ્રતિકારક શક્તિ વિકસાવી લે છે પરંતુ અન્ય પ્રકારના ડેંગ્યુના વાયરસથી તેમને ચેપ લાગવાનું જોખમ તો રહે જ છે.

ડેંગ્યુ કેવી રીતે અટકાવી શકાય?

ડેંગ્યુના પ્રારંભિક ચેપને રોકવા માટે હાલમાં કોઈ રસી નથી.

Dengvaxia® દ્વારા વધુ ચેપ (જેને સેકન્ડરી ઇન્ફેક્શન પણ કહેવાય છે)ને અટકાવી શકાય છે, જોકે આ ડેંગ્યુ રસી આપવાના કડક માપદંડ છે. રસીકરણ અંગે તમારા ડોક્ટર સાથે વાત કરો.

નીચેના પગલાંઓ દ્વારા મચ્છર કરડવાથી પોતાને બચાવો:

ઢીલા, લાંબી બાંયના, હળવા રંગના કપડાં અને પંજા ઢંકાઈ જાય એવા પગરખાં પહેરો. મચ્છરો ચુસ્ત કપડાંની આરપાર કરડી શકે છે.

ખુલ્લી ચામડી પર બધે સરખી રીતે પિકારિડિન, DEET કે લીંબુ નીલગિરીનું તેલ હોય તેવી મચ્છર નિવારક દવા લગાવો. કુદરતી કે ઘરે બનાવેલા નિવારકો મર્યાદિત રક્ષણ પૂરું પાડે છે. તમારે કેટલી વાર નિવારક દવા ફરીથી લગાવવી જોઈએ તે જાણવા માટે સૂચનાઓ વાંચો. હંમેશા પહેલા સનસ્ક્રીન ક્રીમ અને પછી નિવારક દવા લગાવો.

એ સમય દરમિયાન વધુ કાળજી રાખો જ્યારે મચ્છર વધુ કરડતા હોય છે.

ઘરની આસપાસ ભરાયેલું પાણી દૂર કરો કારણ કે તે મચ્છરોનું સંવર્ધન સ્થાન બની શકે છે.

મચ્છરદાનીનો ઉપયોગ કરો અને બારીઓ અને દરવાજાઓ પર મચ્છરજાળી લગાવો.

 

વિદેશમાં મુસાફરી કરતી વખતે કે ઓસ્ટ્રેલિયાના એવા વિસ્તારોમાં જ્યાં ડેંગ્યુ મચ્છર હોઇ શકે છે, તમારે આ પણ કરવું જોઈએ:

મચ્છરજાળીવાળા કે એરકન્ડિશન્ડ રૂમમાં રહો અને સૂવો.

જો તમે બહાર સૂતા હોવ તો મચ્છરદાનીનો ઉપયોગ કરો. જ્યારે પરમેથ્રિન જેવા પાયરેથ્રોઇડ જંતુનાશક સાથે મચ્છરદાની બનાવવામાં આવી હોય, ત્યારે તે સૌથી અસરકારક હોય છે. મુસાફરી પહેલાં એવી મચ્છરદાની ખરીદી શકાય કે ખરીદી પછી તેની પર એ પ્રકારના જંતુનાશક છાંટી શકાય.

એ સમય દરમિયાન વધુ કાળજી રાખો જ્યારે મચ્છર વધુ કરડતા હોય છે. Aedes aegypti જેવી મચ્છરની કેટલીક પ્રજાતિઓ આખો દિવસ કરડતી હોય છે.

મચ્છરજન્ય રોગ જ્યાં વધુ થતા હોય કે અવારનવાર ફાટી નીકળતા હોય તેવા વિસ્તારોમાં જવાનું ટાળો.

ડેંગ્યુનું નિદાન કેવી રીતે થાય છે?

તમારા ડોક્ટર લોહીનો નમૂનો લઈને ડેંગ્યુ વાયરસ માટે તેનું પરીક્ષણ કરાવી શકે છે. તાજેતરના ચેપની ખાતરી કરવા માટે બીજીવાર લોહીની તપાસની જરૂર પડી શકે છે.

ડેંગ્યુની સારવાર કેવી રીતે કરવામાં આવે છે?

ડેંગ્યુ માટે કોઈ ચોક્કસ સારવાર નથી. દર્દીઓએ ડોકટરની સલાહ લેવી જોઈએ, આરામ કરવો જોઈએ અને પુષ્કળ પ્રવાહી પીવું જોઈએ. તાવ ઓછો કરવા અને સાંધાના દુખાવામાં રાહત માટે પેરાસીટામોલ લઈ શકાય છે. જોકે, એસ્પિરિન કે આઇબુપ્રોફેન ન લેવી જોઈએ કારણ કે તે રક્તસ્રાવનું જોખમ વધારી શકે છે.

ગંભીર ડેંગ્યુ માટે, હોસ્પિટલમાં કાળજીપૂર્વકની દેખરેખ અને સારવાર જેવી ઇમર્જન્સી તબીબી સંભાળ જરૂરી છે.

જાહેર આરોગ્ય ખાતાનો પ્રતિભાવ કેવો હોય છે?

જ્યારે કોઈમાં ડેંગ્યુ વાયરસ મળે છે ત્યારે લેબોરેટરીઓ તેમના સ્થાનિક જાહેર આરોગ્ય એકમને જાણ કરે છે. જાહેર આરોગ્ય એકમો દરેક કેસની તપાસ કરે છે જેથી તે વ્યક્તિ ક્યાં ચેપગ્રસ્ત થઈ હતી તે નક્કી કરી શકાય. આ માહિતી ઓછા જોખમી ગણાતા વિસ્તારોમાં ચેપ ફેલાતો અટકાવવા માટે મહત્ત્વપૂર્ણ છે.

પૂરક માહિતી

જો તમને ડેંગ્યુના લક્ષણો હોય અને તમે ચિંતિત હોવ, તો તરત જ તમારા ડોક્ટર સાથે વાત કરો કે ઇમર્જન્સીમાં ટ્રિપલ ઝીરો (000) પર કોલ કરો.

વધુ સલાહ માટે, વિનામૂલ્યે અને ગોપનીય ભાષા સહાય માટે 131 450 પર ટ્રાન્સલેટિંગ એન્ડ ઇન્ટરપ્રીટિંગ સર્વિસ (TIS)ને કોલ કરો. તેમને તમારી ભાષા અને તમે જે ભાષામાં વાત કરવા માંગો છો તે જણાવો:

  • તમારા સ્થાનિક જાહેર આરોગ્ય એકમને 1300 066 055 પર
  • વિનામૂલ્યે 24-કલાક આરોગ્ય સલાહ માટે Healthdirectને 1800 022 222 પર
  • અથવા, તમારા સ્થાનિક ફાર્માસિસ્ટ સાથે વાત કરો.

ડેંગ્યુથી બચવાની વધુ માહિતી માટે, જુઓ:


Current as at: Friday 19 December 2025
Contact page owner: One Health