હેપેટાઇટિસ A ફેક્ટ શીટ

હેપેટાઇટિસ A એ લીવર (યકૃત, પીત્તાશય)નો વાયરલ ચેપ છે. આ વાયરસ દૂષિત ખોરાક કે પાણી ખાવા-પીવાથી કે ચેપગ્રસ્ત વ્યક્તિના સીધા સંપર્કથી ફેલાય છે. રસીકરણ અને સ્વચ્છતા આ ચેપને અટકાવે છે.

Last updated: 18 December 2025

હેપેટાઇટિસ A શું છે?

'હેપેટાઇટિસ' એટલે લીવરમાં બળતરા કે સોજો. તે રસાયણો કે દવાઓ દ્વારા કે વિવિધ પ્રકારના વાયરલ ચેપ દ્વારા થઈ શકે છે.

હેપેટાઇટિસ A વાયરસ એક પ્રકારનો હેપેટાઇટિસ છે. એક પ્રકારના હેપેટાઇટિસ વાયરસનો ચેપ અન્ય હેપેટાઇટિસ વાયરસના ચેપ સામે રક્ષણ આપતો નથી. ઓસ્ટ્રેલિયામાં હેપેટાઇટિસ A સામાન્ય રીતે જોવા મળતો નથી, મોટાભાગના લોકોને વિદેશની મુસાફરી વખતે જ તેનો ચેપ લાગે છે.

હેપેટાઇટિસ Aના લક્ષણો શું છે?

હેપેટાઇટિસ Aના લક્ષણોમાં સામેલ છે:

  • સારું ન લાગવું
  • થાક
  • તાવ
  • ઉબકા
  • ભૂખ ન લાગવી
  • પેટમાં ગરબડ
  • સાંધામાં દુખાવો (ક્યારેક)
  • ઘેરો પેશાબ, ફીકું મળ અને કમળો (આંખોની કીકીઓ અને ત્વચા પીળી પડવી). કમળો, ઘેરો પેશાબ અને ફીકું મળ બધાને થતા નથી.

હેપેટાઇટિસના લક્ષણો સામાન્ય રીતે વાયરસના સંપર્કમાં આવ્યાના લગભગ ચાર અઠવાડિયા પછી દેખાય છે. ક્યારેક લક્ષણો બેથી સાત અઠવાડિયાની વચ્ચે દેખાય છે.

બીમારી સામાન્ય રીતે હળવી હોય છે અને એકથી ત્રણ અઠવાડિયા સુધી ચાલે છે. લગભગ બધા લોકો સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય છે.

કેટલાક લોકોને, ખાસ કરીને ક્રોનિક લીવરનો રોગ ધરાવતા લોકોને, વધુ ગંભીર લક્ષણો થઈ શકે છે. ચેપગ્રસ્ત નાના બાળકોમાં સામાન્ય રીતે કોઈ લક્ષણો દેખાતા નથી.

હેપેટાઇટિસ A ક્રોનિક લીવર રોગનું કારણ બનતો નથી અને હેપેટાઇટિસ Aને કારણે મૃત્યુ થાય છે પરંતુ ભાગ્યે જ. ક્યારેક ક્યારેક લોકોને આ રોગ માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે અને રોગ મટી ગયા પછી ફરીથી ઉથલો મારી શકે છે.

હેપેટાઇટિસ A કેવી રીતે ફેલાય છે?

હેપેટાઇટિસ A વાયરસ મોટી માત્રામાં ચેપગ્રસ્ત વ્યક્તિના મળમાં જોવા મળે છે. વાયરસ યોગ્ય પરિસ્થિતિમાં ઘણા અઠવાડિયા સુધી પર્યાવરણમાં ટકી શકે છે.

હેપેટાઇટિસ A સામાન્ય રીતે ત્યારે ફેલાય છે જ્યારે ચેપગ્રસ્ત વ્યક્તિનો વાયરસ બીજી વ્યક્તિ નીચેની કોઈ રીતે ગળી જાય છે:

  • કાચો, ફ્રોઝન કે ઓછો રાંધેલો દૂષિત ખોરાક ખાવો
  • દૂષિત પાણી પીવું
  • હેપેટાઇટિસવાળા વ્યક્તિના ગંદા ડાઇપર, ચાદર કે ટુવાલનો સ્પર્શ કરવો
  • એકબીજાની ટૂથબ્રશ જેવી વ્યક્તિગત વસ્તુઓ વાપરવી
  • હેપેટાઇટિસવાળા વ્યક્તિ સાથે (સંભોગ સહિતનો) સીધો સંપર્ક

હેપેટાઇટિસ Aનો ફેલાવો આ રીતે જોવા મળ્યો છે:

  • એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાવો
  • ખાસ કરીને પુરુષો સાથે જાતીય સંપર્ક રાખનારા પુરુષો સાથે જાતીય સંપર્કથી
  • આયાતી ફ્રોઝન ફળોના વપરાશથી
  • ગટરથી દૂષિત પાણી પીવાથી
  • શાકભાજી, બોર અને શેલફિશ જેવા મૂળથી દૂષિત ખોરાક ખાવાથી
  • દૂષિત ખોરાક ખાવાથી
  • બાળસંભાળ કેન્દ્રો, નર્સિંગ હોમ અને જેલથી.

ચેપગ્રસ્ત લોકો લક્ષણો દેખાય તે પહેલાંના બે અઠવાડિયાથી કમળો (આંખની કીકી અને ત્વચા પીળી પડવી) થયાના એક અઠવાડિયા સુધી વાયરસ બીજા લોકોમાં ફેલાવી શકે છે. જો તેમને કમળો ન થાય, તો તેઓ લક્ષણો દેખાય તે પછી બે અઠવાડિયા સુધી વાયરસ ફેલાવી શકે છે. લોકોએ આ પછી પણ સાવચેત રહેવું જોઈએ કારણ કે વાયરસ લાંબા સમય સુધી મળમાં પણ રહી શકે છે.

વિદેશમાં મુસાફરી કરતા લોકો માટે, ખાસ કરીને જ્યાં હેપેટાઇટિસ A સામાન્ય છે એવા વિકાસશીલ દેશોની મુલાકાત લેતા લોકો માટે, હેપેટાઇટિસ Aનો ચેપ  સમસ્યા બની રહે છે.

કોને હેપેટાઇટિસ A થવાનું જોખમ છે?

જેમને હેપેટાઇટિસ A થયો નથી અને જેમને તેની રસી આપવામાં આવી નથી, તેમને આ રોગ થવાનું જોખમ રહેલું છે.

હેપેટાઇટિસ A કેવી રીતે અટકાવી શકાય?

રસીકરણ

હેપેટાઇટિસ A માટે સલામત અને અસરકારક રસી ઉપલબ્ધ છે.

શ્રેષ્ઠ રક્ષણ પૂરું પાડવા માટે રસીને બે અઠવાડિયા કે તેથી વધુ સમય લાગી શકે છે. લાંબા ગાળાના રક્ષણ માટે છ મહિનાના અંતરે બે ડોઝ લેવાની ભલામણ કરવામાં આવે છે.

જો સંપર્કના બે અઠવાડિયાની અંદર આપવામાં આવે તો વાયરસના સંપર્કમાં આવતી વ્યક્તિને પણ રસી રક્ષણ આપી શકે છે.

નીચેના વધુ જોખમ ધરાવતા જૂથો માટે રસીકરણની ભલામણ કરવામાં આવે છે:

  • જે દેશોમાં હેપેટાઇટિસ A સામાન્ય છે તેવા દેશોના પ્રવાસીઓ (મોટાભાગના વિકાસશીલ દેશો)
  • ગ્રામીણ અને દૂરના આદિવાસી સમુદાયોના વારંવારના મુલાકાતીઓ
  • કેટલાક આરોગ્ય સંભાળ કાર્યકરો જે આદિવાસી સમુદાયોમાં કે તેમની સાથે કામ કરે છે
  • ગટરના સફાઇ કામદારો
  • પ્લમ્બરો
  • પુરુષો સાથે સંભોગ કરનારા પુરુષો
  • બાળ સંભાળ અને પ્રી-સ્કૂલના કાર્યકરો
  • બૌદ્ધિક રીતે અક્ષમ અને તેમના સંભાળ રાખનારા લોકો
  • જે લોકો ગેરકાયદેસર દવાઓનો ઉપયોગ કરે છે/તેના ઇન્જેક્શન લે છે
  • લીવરના ક્રોનિક રોગના દર્દીઓ
  • હીમોફીલિયા ધરાવતા લોકો જેમને નિયમિત લોહી ચડાવવું પડતું હોય છે.

હેપેટાઇટિસ A થી બચવા માટે બીજું શું કરી શકાય?

દરેક વ્યક્તિએ હંમેશા ઓછામાં ઓછી 10 સેકન્ડ માટે સાબુ અને વહેતા પાણીથી પોતાના હાથ સારી રીતે ધોવા જોઈએ અને સ્વચ્છ ટુવાલથી તેમને લૂછવા જોઈએ:

  • શૌચાલય ગયા પછી
  • ખાતા પહેલા
  • ખોરાક કે પીણાં બનાવતા પહેલા
  • ડાઇપર અને કોન્ડોમ જેવી દૂષિત વસ્તુઓને સ્પર્શ્યા પછી.

આયાતી ફ્રોઝન ફળો હેપેટાઇટિસ A ફાટી નીકળવાનો સ્રોત ઘણીવાર બની રહ્યા છે. આ ઉત્પાદનોનું સેવન કરતા પહેલા તેમને રાંધવાથી હેપેટાઇટિસ A અને અન્ય સંભવિત ખોરાકજન્ય ચેપનું જોખમ દૂર થાય છે.

બીજાને હેપેટાઇટિસ Aનો ચેપ લગાવવાનું ટાળવા માટે શું કરી શકાય?

જો તમને હેપેટાઇટિસ A હોય તો:

  • તમારા હાથ સાબુ અને ગરમ પાણીથી સારી રીતે ધોવા, સ્વચ્છ ટુવાલ વડે લૂછવા
  • બીજા લોકો માટે ખોરાક કે પીણાં ન બનાવવા
  • બીજા લોકોના ખાવા કે પીવાના વાસણો ન વાપરવા
  • બીજા લોકોની ચાદર અને ટુવાલ ન વાપરવા
  • સંભોગ ન કરવો
  • ખાવાના વાસણો સાબુવાળા પાણીમાં ધોવા અને મશીનથી કપડા ધોવા.

જે લોકોને હેપેટાઇટિસ A હોય છે તેઓએ કામ પર કે શાળાએ પાછા ફરતા પહેલા તેમના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

નીચેના લોકો વડે હેપેટાઇટિસ A બીજા લોકોમાં ફેલાવવાનું જોખમ વધારે છે માટે કામ પર કે શાળાએ પાછા ફરતા પહેલા તેમણે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ:

  • જે લોકો ખોરાક કે પીણાં સાથે કામ કરે છે
  • જે લોકોના કામમાં લોકોના વ્યક્તિગત સંપર્કમાં આવવાનું હોય છે, જેમ કે બાળ સંભાળ રાખનારાઓ અને આરોગ્ય કર્મચારીઓ
  • બાળ-સંભાળ સુવિધાઓમાં જતા બાળકો.

હેપેટાઇટિસ Aનું નિદાન કેવી રીતે થાય છે?

દર્દીના લક્ષણોના આધારે ડોક્ટર હેપેટાઇટિસ Aનું નિદાન કરશે અને ખાતરી કરવા માટે હેપેટાઇટિસ Aની એન્ટિબોડીઝ બની છે કે નહીં તે જાણવા માટે લોહીનું પરીક્ષણ કરશે. ક્યારેક, લોહી કે મળના નમૂનાઓ પર નિદાન માટે હેપેટાઇટિસ A DNA પરીક્ષણ (PCR)નો પણ ઉપયોગ કરવામાં આવે છે.

હેપેટાઇટિસ Aની સારવાર કેવી રીતે કરવામાં આવે છે?

હેપેટાઇટિસ A માટે કોઈ ચોક્કસ સારવાર નથી.

ચેપી વ્યક્તિ સાથે સંપર્ક કર્યાના બે અઠવાડિયાની અંદર રસીકરણ કે ઇમ્યુનોગ્લોબ્યુલિનનું ઇન્જેક્શન આપવામાં આવે તો તે બીમારીને અટકાવી શકે છે. ચેપી વ્યક્તિના ઘરમાં રહેતા અને તેની સાથે જાતીય સંબંધ ધરાવનારા લોકોને રસી આપવાની કે ઇમ્યુનોગ્લોબ્યુલિન આપવાની જરૂર પડી શકે છે.

હેપેટાઇટિસ A ધરાવતા લોકો માટે આરામ, પુષ્કળ પ્રવાહી પીવું અને સારું ખાવાની ભલામણ કરવામાં આવે છે.

દારૂ પીવાનું ટાળવાથી પણ લીવર પરનો ભાર ઓછો થશે.

જાહેર આરોગ્ય ખાતાનો પ્રતિભાવ કેવો હોય છે?

ડોક્ટરો, હોસ્પિટલો અને લેબોરેટરીઓએ હેપેટાઇટિસ A ચેપના કેસોની જાણ સ્થાનિક જાહેર આરોગ્ય એકમને ગોપનીય રીતે કરવી જોઈએ.

જાહેર આરોગ્ય એકમના કર્મચારીઓ ડોક્ટર, દર્દી કે દર્દીના પરિવાર સાથે મળીને ચેપના જોખમમાં રહેલા નજીકના સંપર્કોને ઓળખશે અને જોખમમાં રહેલા લોકોને રોગ વિશે માહિતી અને જો જરૂરી હોય તો નિવારક સારવારની વ્યવસ્થા કરશે.

જાહેર આરોગ્ય એકમના કર્મચારીઓ બાળ સંભાળ કેન્દ્રમાં જતા કે કામ કરતા લોકો અને વેચાણ માટે ખોરાક બનાવતા લોકોમાં હેપેટાઇટિસ Aના કેસો માટે ખાસ માર્ગદર્શિકાઓનું પાલન કરે છે.

જાહેર આરોગ્ય એકમના કર્મચારીઓ આ રોગચાળો ફાટી નીકળવાના કારણને ઓળખવા, તેના ફેલાવાને નિયંત્રિત કરવા અને વધુ ચેપ લાગતો અટકાવવા માટે હેપેટાઇટિસ Aના ફાટી નીકળવાની પણ તપાસ કરે છે.

પૂરક માહિતી

વધુ સલાહ માટે, વિનામૂલ્યે અને ગોપનીય ભાષા સહાય માટે 131 450 પર ટ્રાન્સલેટિંગ એન્ડ ઇન્ટરપ્રીટિંગ સર્વિસ (TIS)ને કોલ કરો. તેમને તમારી ભાષા અને તમે જે ભાષામાં વાત કરવા માંગો છો તે જણાવો:

  • તમારા સ્થાનિક જાહેર આરોગ્ય એકમને 1300 066 055 પર
  • વિનામૂલ્યે 24-કલાક આરોગ્ય સલાહ માટે healthdirectને 1800 022 222 પર
  • અથવા, તમારા સ્થાનિક ફાર્માસિસ્ટ સાથે વાત કરો.

Current as at: Thursday 18 December 2025
Contact page owner: One Health