શિગેલા (શિગેલોસિસ)

શિગેલોસિસ એ શિગેલા બેક્ટેરિયાથી થતો રોગ છે. તેનાથી ઝાડા થાય છે અને તે લોકોમાં સરળતાથી ફેલાય છે.

Last updated: 18 December 2025

શિગેલા શું છે?

શિગેલા ચેપ, જેને shigellosis પણ કહેવાય છે, તે શિગેલા બેક્ટેરિયાથી થાય છે. શિગેલા બેક્ટેરિયા ચેપગ્રસ્ત વ્યક્તિના મળના સંપર્ક દ્વારા કે દૂષિત પાણી કે ખોરાક ખાવા-પીવાથી ફેલાય છે. તેનાથી સામાન્ય રીતે ઝાડા થાય છે.

શિગેલાના લક્ષણો શું છે?

શિગેલા ચેપના લક્ષણોમાં સામેલ છે:

  • ઝાડા
  • તાવ
  • ઉબકા
  • મળમાં લોહી કે કફ
  • ઉલટી અને પેટમાં દુખાવો પણ થઈ શકે છે.

લક્ષણો સામાન્ય રીતે ચેપ લાગ્યાના 1-3 દિવસ પછી શરૂ થાય છે. લક્ષણો સામાન્ય રીતે 4-7 દિવસ સુધી રહે છે, પરંતુ લાંબા સમય સુધી રહી શકે છે.

કેટલાક લોકોમાં લક્ષણો 1 અઠવાડિયા સુધી ન દેખાય કે તેમને લક્ષણો બિલકુલ ન પણ થાય.

શિગેલા કેવી રીતે ફેલાય છે?

શિગેલા મળમાં જોવા મળે છે. તમને શિગેલા ચેપ આ રીતે લાગી શકે છે:

  • બેક્ટેરિયાથી દૂષિત ખોરાક કે પાણી લેવાથી
  • નળ, diaper અને રમકડાં જેવી દૂષિત વસ્તુઓને સ્પર્શ કર્યા પછી તમારા મોંને સ્પર્શ કરવાથી
  • ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે મુખમૈથુન કે ગુદા મૈથુન કરવાથી

શિગેલા થવાનું જોખમ કોને છે?

શિગેલા ચેપનું સૌથી વધુ જોખમ ધરાવતા લોકોમાં સામેલ છે:

  • જે લોકો એવા દેશોમાં મુસાફરી કરે છે જ્યાં શિગેલા સામાન્ય છે
  • પુરુષો સાથે સંભોગ કરનારા પુરુષો
  • બાળકો
  • નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો
  • વૃદ્ધો.

શિગેલાને કેવી રીતે અટકાવી શકાય?

શિગેલા ચેપથી બચવા માટે તમારે:

  • ઓછામાં ઓછી 20 સેકન્ડ માટે સાબુ અને પાણીથી તમારા હાથ સારી રીતે ધોવા જોઈએ:
    • શૌચાલય ગયા પછી
    • diaper બદલ્યા પછી
    • મળના કોઈપણ સંભવિત સંપર્ક પછી
    • ખોરાકને હાથ અડાડતા પહેલા કે અન્ય લોકોની સંભાળ રાખતા પહેલા
  • કાચા ખાવામાં આવતા શાકભાજી અને ફળો ધોઈને

શિગેલા સામાન્ય હોય તેવા દેશોમાં મુસાફરી કરતા લોકોએ આમ પણ કરવું:

  • ફળો અને શાકભાજી સહિત કાચો ખોરાક ટાળવો જોઈએ, સિવાય કે તમે તેને છોલીને ખાઈ શકો
  • ફક્ત બોટલમાં મળતું કે ઉકાળેલું પાણી જ પીવું
  • બરફ અને પાણી મિશ્રિત પીણાં સહિત ગંદુ/અશુદ્ધ પાણી ન પીવું
  • ખુલ્લામાં મળતું સ્ટ્રીટફૂડ ખાવાનું ટાળવું
  • ગરમ ખોરાક સારી રીતે રાંધવામાં આવે અને ગરમ હોય ત્યારે જ ખાવામાં આવે એ જોવું.

શિગેલા ચેપ ધરાવતા લોકોએ:

  • બીમાર હોય ત્યારે ખોરાક તૈયાર ન કરવો જોઈએ કે અન્ય લોકોની કાળજી લેવી જોઈએ નહીં
  • જ્યારે તેમને લક્ષણો હોય ત્યારે કામ પર ન જવું જોઈએ. જે લોકો ખોરાકને લગતું કામ કરે છે (જેમ કે રસોડાનો સ્ટાફ અને વેઈટર, કસાઈ); અને જે લોકો દર્દીઓ, બાળકો કે વૃદ્ધોની સંભાળ રાખે છે તેમણે ઝાડા બંધ થયાના 48 કલાક સુધી કામ પર પાછા ફરવું જોઈએ નહીં. બાળકો, ખાસ કરીને diaper પહેરતા બાળકોને, ઝાડા બંધ થયાના 24 કલાક સુધી બાળ સંભાળમાં ન મૂકતા ઘરે રાખવા જોઈએ.
  • ગુદા સાથે સંપર્ક હોય ત્યાં સેક્સ ન કરો, જેથી શિગેલા મોંમાં ફેલાય નહીં
  • ઝાડા બંધ થયા પછી 2 અઠવાડિયા સુધી તરવું નહીં

શિગેલાનું નિદાન કેવી રીતે થાય છે?

ડોક્ટર મળના નમૂનાનું પરીક્ષણ કરશે.

શિગેલાની સારવાર કેવી રીતે કરવામાં આવે છે?

શિગેલા ચેપ ધરાવતા લોકોને સામાન્ય રીતે તેમના ડોક્ટર દ્વારા બીમારીની તીવ્રતા અને સમય ઘટાડવા માટે એન્ટિબાયોટિક્સ લખી આપવા આવે છે. એન્ટિબાયોટિક્સ વ્યક્તિ અન્ય લોકો માટે ચેપી હોય તે સમયગાળો પણ ઘટાડી શકે છે.

ડિહાઇડ્રેશન ટાળવા માટે પુષ્કળ પ્રવાહી પીવું મહત્ત્વપૂર્ણ છે. નાના બાળકો (ખાસ કરીને નવજાત શિશુઓ)ને ઝાડાથી ડિહાઇડ્રેશનનું જોખમ હોય છે માટે માતાપિતાએ તબીબી સહાય લેવી જોઈએ.

જાહેર આરોગ્ય ખાતાનો પ્રતિભાવ કેવો હોય છે?

લેબોરેટરીઓએ શિગેલાના કેસોની સ્થાનિક જાહેર આરોગ્ય એકમને જાણ કરવી જરૂરી છે. જાહેર આરોગ્ય એકમના કર્મચારીઓ કેસ અને તેમની સંભાળ લેનારાઓની મુલાકાત લેશે અને ચેપના સ્રોતને ઓળખવાનો પ્રયાસ કરશે જેથી નવા ચેપને નિયંત્રિત કરી શકાય.

પૂરક માહિતી

વધુ સલાહ માટે, વિનામૂલ્યે અને ગોપનીય ભાષા સહાય માટે 131 450 પર ટ્રાન્સલેટિંગ એન્ડ ઇન્ટરપ્રીટિંગ સર્વિસ (TIS)ને કોલ કરો. તેમને તમારી ભાષા અને તમે જે ભાષામાં વાત કરવા માંગો છો તે જણાવો:

  • તમારા સ્થાનિક જાહેર આરોગ્ય એકમને 1300 066 055 પર
  • વિનામૂલ્યે 24-કલાક આરોગ્ય સલાહ માટે healthdirectને 1800 022 222 પર
Contact page owner: One Health