ટાઇફોઇડ અને પેરાટાઇફોઇડ ફેક્ટશીટ

ટાઇફોઇડ બે અલગ અલગ પ્રકારના સેલ્મોનેલા બેક્ટેરિયાને કારણે થાય છે. તે ઓછી સ્વચ્છતા કે શુદ્ધિકરણ ન કરાયેલા પીવાના પાણીવાળા દેશોમાં સામાન્ય છે. ઓછા વિકસિત દેશોમાં મિત્રો અને પરિવારની મુલાકાત લેતા લોકો માટે ટાઇફોઇડ રસીકરણની ભારપૂર્વક ભલામણ કરવામાં આવે છે.

Last updated: 18 December 2025

ટાઇફોઇડ અને પેરાટાઇફોઇડ શું છે?

ટાઇફોઇડ અને પેરાટાઇફોઇડ એ બે અલગ અલગ પ્રજાતિના સેલ્મોનેલા બેક્ટેરિયાને કારણે થતા રોગો છે. તે બંનેથી એક જ પ્રકારની બીમારી થતી હોય છે. પેરાટાઇફોઇડનો ચેપ ટાઇફોઇડ કરતા ઓછો ગંભીર હોય છે અને ઓછો થતો જોવા મળે છે.

ઓસ્ટ્રેલિયામાં થતા મોટાભાગના ટાઇફોઇડ અને પેરાટાઇફોઇડના ચેપ વિદેશમાં લાગ્યા હોય છે. ઓસ્ટ્રેલિયામાં આ રોગો ભાગ્યે જ થાય છે.

આ ચેપ સાલ્મોનેલાના અન્ય પ્રકારોના ચેપથી અલગ છે જે સામાન્ય રીતે ગેસ્ટ્રોએન્ટેરિટિસ (ગેસ્ટ્રો)નું કારણ બનતા હોય છે.

ટાઇફોઇડ અને પેરાટાઇફોઇડના લક્ષણો શું છે?

લોકોને હળવા કે ગંભીર લક્ષણોનો થઈ શકે છે. લક્ષણોમાં આ સામેલ હોઈ શકે છે:

  • લાંબા સમય સુધી તાવ
  • પરસેવો
  • માથાનો તીવ્ર દુખાવો
  • સામાન્ય અસ્વસ્થતા અનુભવવી
  • પેટમાં દુખાવો
  • ઝાડા કે કબજિયાત
  • ભૂખનો અભાવ અને વજન ઘટવું.

ટાઈફોઈડના લક્ષણો સામાન્ય રીતે ચેપ લાગ્યા પછી 8-14 દિવસ પછી શરૂ થાય છે. ચેપ પછી લક્ષણો 3 દિવસમાં કે પછી 60 દિવસ સુધીમાં પણ દેખાઈ શકે છે. પેરાટાઈફોઈડના લક્ષણો સામાન્ય રીતે 1-10 દિવસની અંદર દેખાય છે.

જો સારવાર ન કરવામાં આવે, તો ટાઈફોઈડ અને પેરાટાઈફોઈડ જીવલેણ બની શકે છે. લક્ષણો દેખાય કે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો મહત્ત્વપૂર્ણ છે.

મોટાભાગના લોકો સારવારથી અમુક અઠવાડિયામાં સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય છે અને લક્ષણો સામાન્ય રીતે એક અઠવાડિયામાં દેખાતા બંધ થઈ જાય છે.

કેટલાક લોકોને બીમારીના કોઈ લક્ષણો ન હોય તો પણ તેમના મળ અને/અથવા પેશાબમાં એક વર્ષથી વધુ સમય સુધી બેક્ટેરિયા રહે છે. આ લોકોને વાહક કહેવામાં આવે છે અને તેઓ અન્ય લોકોને ચેપ લગાવી શકે છે.

ટાઈફોઈડ અને પેરાટાઈફોઈડ કેવી રીતે ફેલાય છે?

ટાઈફોઈડ એવા દેશોમાં વધુ સામાન્ય છે જ્યાં સ્વચ્છતા ઓછી હોય છે, હાથની સ્વચ્છતા અને ખોરાકની ચોખ્ખાઈના ધોરણો ઓછા હોય છે અને પીવાનું પાણી શુદ્ધિકરણ કરેલું હોતું નથી.

ટાઈફોઈડ અને પેરાટાઈફોઈડનું કારણ બનતા બેક્ટેરિયા ચેપગ્રસ્ત વ્યક્તિઓના મળમાં અને ક્યારેક તેમના પેશાબમાં જોવા મળે છે.

ટાઈફોઈડ અને પેરાટાઈફોઈડ ત્યારે ફેલાય છે જ્યારે લોકો મળથી દૂષિત ખોરાક કે પાણી ખાય-પીવે છે. માખીઓ બેક્ટેરિયાને એક ખોરાકમાં બીજા ખોરાકમાં લઈ જઈ શકે છે કે પછી દૂષિત પાણીમાં ઉગાડેલ, તૈયાર કરેલ કે સંગ્રહિત કરેલ ખોરાકથી પણ થઈ શકે છે.

ઓછા વિકસિત દેશોમાં કાચા ફળો અને શાકભાજી અને શેલફિશ ટાળવા જોઈએ.

ટાઈફોઈડ અને પેરાટાઈફોઈડ થવાનું જોખમ કોને છે?

ઓસ્ટ્રેલિયામાં ટાઈફોઈડ અને પેરાટાઈફોઈડ મોટાભાગે ફક્ત એવા લોકોમાં જોવા મળે છે જેઓ એવા વિસ્તારોમાં મુસાફરી કરે છે જ્યાં આ રોગો સામાન્ય છે.

જે લોકો વિકાસશીલ દેશો (ખાસ કરીને ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ)માં મિત્રો અને સંબંધીઓને મળવા જાય છે તેમને આ રોગ થવાનું સૌથી વધુ જોખમ હોય છે.

જે લોકો ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે રહે છે કે જે લોકોએ ટાઇફોઇડ કે પેરાટાઇફોઇડથી ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે મુસાફરી કરી છે, તેમનું ટાઇફોઇડ માટે પરીક્ષણ કરવું જોઈએ.

જો લક્ષણો દેખાય તો લોકોએ તેમના જનરલ પ્રેક્ટિશનરને મળવું જોઈએ.

ટાઇફોઇડ અને પેરાટાઇફોઇડ કેવી રીતે અટકાવી શકાય?

જે દેશોમાં ટાઇફોઇડ અને પેરાટાઇફોઇડ સામાન્ય છે ત્યાં જતા લોકોએ:

  • શૌચાલય ગયા પછી અને ખાધા પહેલા ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી સાબુ અને પાણીથી હાથ સારી રીતે ધોવા જોઈએ
  • ફળો અને શાકભાજી સહિત કાચો ખોરાક ટાળવો જોઈએ (સિવાય કે તમે તેને જાતે છોલી શકો)
  • બોટલમાં મળતું કે ઉકાળેલું પાણી જ પીવું (દાંત સાફ કરતી વખતે પણ)
  • બરફ નાખેલા અને પાણી મેળવેલા પીણાં સહિત ગંદુ પાણી ન પીવું
  • ખુલ્લામાં મળતું સ્ટ્રીટફૂડ ખાવાનું ટાળવું
  • ગરમ ખોરાક સારી રીતે રાંધવામાં આવે અને ગરમ હોય ત્યારે જ ખાવામાં આવે તે જોવું

બે વર્ષ અને તેથી વધુ ઉંમરના એ બધા લોકો માટે ટાઇફોઇડ રસીકરણની ભલામણ કરવામાં આવે છે જે એવા દેશોમાં જતા હોય જ્યાં ટાઇફોઇડ અને પેરાટાઇફોઇડ સામાન્ય છે.

પેરાટાઇફોઇડ માટે કોઈ રસી ઉપલબ્ધ નથી.

જે લોકોને ટાઇફોઇડ કે પેરાટાઇફોઇડ છે કે જેઓ તેનાથી ચેપગ્રસ્ત કોઈ વ્યક્તિ સાથે એક જ ઘરમાં રહે છે:

  • તેમણે ચેપ લાગ્યો છે કે નહીં તેના માટે માટે ઘણા મળ પરીક્ષણો કરાવવાની જરૂર પડશે
  • જો તેમના કામમાં બાળકો, દર્દીઓ કે વૃદ્ધોની સંભાળ રાખવાનો કે ખોરાકને સ્પર્શવાનો સમાવેશ થતો હોય, તો તેમણે ત્યાં સુધી કામે ન જવું જોઈએ જ્યાં સુધી તેમને તેમના સ્થાનિક જાહેર આરોગ્ય એકમ દ્વારા કામ પર પાછા ફરવાની સલાહ ન આપવામાં આવે.
  • જ્યાં સુધી મળના નમૂનાઓના પરીક્ષણમાં આવે નહીં કે તેઓ ચેપી નથી ત્યાં સુધી તેમણે અન્ય લોકો માટે ખોરાક તૈયાર ન કરવો જોઈએ.

ટાઇફોઇડ અને પેરાટાઇફોઇડનું નિદાન કેવી રીતે થાય છે?

ટાઇફોઇડ અને પેરાટાઇફોઇડનું નિદાન કરવા માટે તમારા ડોક્ટર કે સ્થાનિક હોસ્પિટલ લોહી કે મળના નમૂનાનું પરીક્ષણ કરશે.

ટાઇફોઇડ અને પેરાટાઇફોઇડની સારવાર કેવી રીતે કરવામાં આવે છે?

ટાઇફોઇડ અને પેરાટાઇફોઇડની સારવાર એન્ટિબાયોટિક્સથી કરી શકાય છે. જે લોકોને કોઈ લક્ષણો નથી પરંતુ ટાઇફોઇડ કે પેરાટાઇફોઇડ હોઈ શકે છે તેમની સારવાર માટે પણ એન્ટિબાયોટિક જરૂરી છે.

જો લક્ષણો ગંભીર હોય, તો હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી શકે છે.

જાહેર આરોગ્ય ખાતાનો પ્રતિભાવ કેવો હોય છે?

ડોક્ટરો, હોસ્પિટલો અને લેબોરેટરીઓએ ટાઇફોઇડ કે પેરાટાઇફોઇડના કેસોની જાણ સ્થાનિક જાહેર આરોગ્ય એકમને કરવી જ જોઈએ.

જાહેર આરોગ્ય એકમના કર્મચારીઓ ચેપ કેવી રીતે થયો તે જાણવા માટે ડોક્ટર કે દર્દી (કે તેની સંભાળ રાખનારાઓ)નો ઇન્ટરવ્યુ લેશે.

NSW ફૂડ ઓથોરિટી, NSW હેલ્થની સાથે, ટાઇફોઇડ કે પેરાટાઇફોઇડથી ચેપગ્રસ્ત ખોરાક પર્યાવરણને લગતી તપાસ માટે જવાબદાર છે.

તમારું સ્થાનિક જાહેર આરોગ્ય એકમ કામ પર અને શાળાએ ન જવા અંગે વધુ સલાહ આપી શકે છે. કામ પર ન જવાની સલાહ અપાયેલા લોકોને કામ પર પાછા ફરવાની મંજૂરી આપતા પહેલા તેમણે મળના ઘણા પરીક્ષણ કરાવવા પડશે.

પૂરક માહિતી

વધુ સલાહ માટે, વિનામૂલ્યે અને ગોપનીય ભાષા સહાય માટે 131 450 પર ટ્રાન્સલેટિંગ એન્ડ ઇન્ટરપ્રીટિંગ સર્વિસ (TIS)ને કોલ કરો. તેમને તમારી ભાષા અને તમે જે ભાષામાં વાત કરવા માંગો છો તે જણાવો:

  • તમારા સ્થાનિક જાહેર આરોગ્ય એકમને 1300 066 055 પર
  • વિનામૂલ્યે 24-કલાક આરોગ્ય સલાહ માટે healthdirectને 1800 022 222 પર
Current as at: Thursday 18 December 2025
Contact page owner: One Health