જંગલી મશરૂમનું ઝેર

જંગલી મશરૂમ ખાવાથી તમે ખૂબ બીમાર થઇ શકો છો અથવા તો તમારું મૃત્યુ પણ થઇ શકે છે. કયા જંગલી મશરૂમ ઝેરી છે તે કહેવાનો કોઇ સરળ રસ્તો નથી. ફક્ત વિશ્વસનીય સુપરમાર્કેટ, કરિયાણાની દુકાન અથવા બજારમાંથી ખરીદેલા મશરૂમો જ ખાઓ.

જો તમને લાગે કે તમે અથવા અન્ય કોઇ વ્યક્તિએ ઝેરી મશરૂમ ખાધાં છે, તો:

  • કોઇ પણ સમયે ઝેર વિશેના માહિતી કેન્દ્ર (પોઇઝન્સ ઇન્ફોર્મેશન સેન્ટર) ને ૧૩ ૧૧ ૨૬ પર ફોન કરો – લક્ષણો દેખાવાની રાહ ન જોશો.
  • કટોકટીમાં, ત્રણ શૂન્ય (૦૦૦) પર ફોન કરો અથવા દવાખાનાનાં તત્કાળ વિભાગમાં જાઓ.
Last updated: 29 April 2026

​​મશરૂમો શું છે?

મશરૂમો એ ફૂગનો ફળ આપતો ભાગ છે. તેઓ સામાન્ય રીતે માટીમાં જમીનની ઉપરનાં ભાગે ઊગે છે. ઓસ્ટ્રેલિયામાં ઘણાં પ્રકારની ફૂગ છે. વિવિધ પ્રકારની ફૂગનાં કેટલાક મશરૂમો ખૂબ જ સમાન દેખાય છે, જેના કારણે કયા ઝેરી છે તે કહેવું મુશ્કેલ છે.

મશરૂમનું ઝેર શું છે?

કેટલાક જંગલી મશરૂમોમાં ઝેર હોય છે, જો તમે તેને ખાઓ તો તે તમને બીમાર કરી શકે છે. આને મશરૂમનું ઝેર કહેવામાં આવે છે. એનએસડબ્લ્યુમાં મશરૂમોનાં સૌથી ખતરનાક પ્રકારોમાંનું એક ડેથ કેપ મશરૂમ (અમાનિત ફેલોઇડઝ) છે. ડેથ કેપ મશરૂમ ખાવાથી તમારું મૃત્યુ થઇ શકે છે.
લોકોને ઘણીવાર મશરૂમનું ઝેર લાગે છે કારણ કે તેઓ ઝેરી જંગલી મશરૂમોને ખાદ્ય મશરૂમો સમજવાની ભૂલ કરે છે. ઉદાહરણ તરીકે, ડેથ કેપ મશરૂમો પેડી સ્ટ્રો મશરૂમો (વોલ્વરાએલ વોલ્વેશીઆ) જેવા દેખાય શકે છે.

મશરૂમને રાંધવાથી, પલાળી રાખવાથી, છાલ કાઢવાથી કે સૂકવવાથી તેનું ઝેર દૂર થતું નથી.

મશરૂમના ઝેરનાં લક્ષણો

સામાન્ય રીતે જોવા મળતાં લક્ષણોમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • ઉબકા
  • ઉલ્ટી
  • પેટમાં દુખાવો અથવા ચૂંક આવવી
  • ઝાડા
  • ભ્રમણાઓ.

કેટલાક મશરૂમો યકૃત અથવા મૂત્રપિંડોને નિષ્ફળ કરી શકે છે અને મૃત્યુ લાવી શકે છે.

તમે મશરૂમ ખાધા પછી ૩૦ મિનિટથી ૨૪ કલાકમાં બીમાર થઇ શકો છો. સમયની માત્રા મશરૂમનાં પ્રકાર, તમે કેટલું ખાધું છે અને તમારા સામાન્ય સ્વાસ્થ્ય પર નિર્ભર રહેશે.

કોણ જોખમમાં છે?

મશરૂમનું ઝેર કોઇને પણ લાગી શકે છે.

નાના બાળકોને જોખમ વધુ હોય છે કારણ કે તેઓ ઘણીવાર વસ્તુઓ તેમનાં મોંમાં મૂકે છે – જેમાં બાગમાં અથવા વિશાળ બગીચામાં તેમને મળી આવેલા મશરૂમોનો પણ સમાવેશ થાય છે.

તમને પોતાને અને અન્યોને સુરક્ષિત કેવી રીતે રાખવા

  • તમે વિશ્વસનીય સુપરમાર્કેટ, કરિયાણાની દુકાન અથવા બજારમાંથી મેળવી શકો તેવા જ મશરૂમો ખાઓ.
  • જંગલી મશરૂમો ન ખાશો.
  • તમારા બાગ અને સ્થાનિક ઉદ્યાનોમાં મશરૂમો છે કે કેમ તે તપાસો અને બાળકો બહાર રમે તે પહેલાં તેને દૂર કરો.

જો તમને લાગે કે કોઇએ જંગલી મશરૂમ ખાધું છે તો શું કરવું

તરત જ પોઇઝન્સ ઇન્ફોર્મેશન સેન્ટરને ૧૩ ૧૧ ૨૬ પર ફોન કરો (૨૪ કલાક, અઠવાડિયાનાં ૭ દિવસ ઉપલ્બ્ધ). લક્ષણો દેખાવાની રાહ ન જોશો.
જો શક્ય હોય તો, મશરૂમ ઓળખવા માટે તેનો ફોટો પાડી લો અથવા તેનો નમૂનો લઇ લો.

કટોકટીમાં, ત્રણ શૂન્ય (૦૦૦) પર ફોન કરો અથવા દવાખાનાનાં તત્કાળ વિભાગમાં જાઓ.

Contact page owner: Environmental Health